76 સ્વપ્નાવસ્થાદિ આઠ તત્ત્વો
સ્વપ્નાવસ્થાદિ આઠ તત્ત્વો
એ રીતે સૂક્ષ્મ દેહના કોષ્ટકનું નિરૂપણ સંપૂર્ણ થયું. હવે તેરમી ચોપાઈમાં સુક્ષ્મ દેહનાં સ્વપ્નાવસ્થા આદિ બીજાં આઠ તત્ત્વોનું નિરૂપણ કર્યું છે.
ચોપાઈ
સ્વપ્નઅવસ્થા કંઠસ્થાન
મધ્યમા વાચા પ્રવિવિક્તભોગ જાણ;
જ્ઞાનશક્તિ સત્ત્વગુણ માન,
ઉપકારમાત્રા તેજસ અભિમાન.
અર્થાત્ ઉપર કહેલા જે સૂક્ષ્મ દેહ તેની સ્વપ્નાવસ્થા છે. શિષ્ય : હે મહારાજ | સ્વપ્નાવસ્થા કોને કહેવાય ? ગુરુ : જાગ્રત અવસ્થામાં જે વિષય દીઠો હોય અથવા સાંભળ્યો હોય, તેનો જે સંસ્કાર અંતઃકરણમાં રહ્યો છે, તેથી નિદ્રા વખતે ગાડી, ઘોડા, રસ્તા, નદી, પર્વત, સમુદ્ર તથા સ્્રી- પુત્રાદિ કુટુંબ, વ્વવહાર હાનિલાભ, સુખદુઃખ વગેરે જે પ્રપંચ દેખાય છે તે કાંઈ પણ છે નહિ; એમ છતાં પ્રત્યક્ષની પેઠે છે, એમ દેખાય છે તેનું નામ સ્વપ્નાવસ્થા, તેને તું જાણે છે માટે _ સ્વપ્નાવસ્થા. તું નહે ને તે સૂક્ષ્મદેહની છે, માટે તારી નહે. તું એનો સાક્ષી છે. એ સ્વપ્નાવસ્થાનું કંઠસ્થાન છે, એટલે કંઠમાં હિતા નામની નાડી છે, તેમાં સ્વપ્નાવસ્થા થાય છે. અને તે અવસ્થામાં “મધ્યમા’ નામે વાણી છે અને “પ્રવિવિક્ત’ ભોગ છે;એટલે સૂક્ષ્મવાસનામય ભોગ છે. જેમ કપૂર, કેસર આદિ સુગંધીદાર વસ્તુ રાખવાના ડબામાંથી તે વસ્તુઓ કાઢી નાખ્યા પછી તે ડબામાં સૂક્ષ્મ ગંધનો સંસ્કાર જાણવામાં આવે છે, તેમ સ્વપ્નાવસ્થામાં જાગ્રતના સ્થૂલ ભોગ સર્વ નિવૃત્ત થાય છે, તથાપિ જાગ્રત સ્થૂલ ભોગના સંસ્કારરૂપ સૂક્ષ્મ ભોગ સ્વપ્નમાં અનુભવથી જાણવામાં આવે છે. અને જાગ્રતમાં જેમ અન્નભક્ષણથી સુખપૂર્વક શરીરમાં પુષ્ટિ થાય છે અને હથિયાર વગેરેના વાગવાથી શરીરમાં લોહી નીકળે છે, તેમ સ્વપ્નાવસ્થામાં અન્નભક્ષણથી પુષ્ટિ થતી નથી તથા હથિયાર વાગવાથી લોહી નીકળતું નથી; wer કેવળ સુખદુઃખનો ભોગ થાય છે; તેથી તે ભોગને સૂક્ષ્મ ભોગ છે એમ કહ્યું. સ્વપ્નમાં ‘જ્ઞાનશક્તિ’ કહેતાં સ્વપ્નપદાર્થોને જાણવા એ જ શક્તિ છે અને સ્વપ્નાવસ્થામાં સત્ત્વગુણ છે. શિષ્ય : શાસ્રમાં ઘણે ઠેકાણે જાગ્રતમાં સત્તતગુણ અને સ્વપ્નમાં રજોગુણ કહ્યો છે અને તમે સ્વપ્નમાં સત્ત્વગુણ અને જાગ્રતમાં રજોગુણ કહ્યો તેનું શું કારણ ? ગુરુ : જે ઠેકાણે જાગ્રતમાં સત્ત્વગુણ કહ્યો છે તેનું કારણ એ જ છે કે, જાગ્રત અવસ્થામાં વિષયોનું જ્ઞાન છે તથા શાંતિ, દાંતિ આદિ શુભ સાધનોની ઉત્પત્તિ થાય છે તથા અંતઃકરણમાં મોક્ષ પામવાની ઇચ્છાથી બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જઈને શ્રવણમનન કરે તો આત્માનું જ્ઞાન પણ થાય છે; માટે ત્યાં સત્ત્વગુણ કહ્યો છે અને અમે તેમાં રજોગુણ કહ્યો તેનું કારણ એ છે; તેથી જાગ્રતમાં રજોગુણ કહ્યો અને સ્વપ્નમાં સત્ત્વગુણ કહ્યો. એનો અભિપ્રાય એ છે કે સ્વપ્નમાં કેવળ વિષયોનું જ્ઞાન જ થાય છે, ક્રિયા કંઈ થતી નથી; તેથી સત્ત્વગુણ કહ્યો અને સત્ત્વગુણથી જ્ઞાન થાય છે એવું ગીતામાં પણ કહેલું છે. તે સ્વપ્નમાં પ્રણવ (ઓંકાર)ની બીજી ‘ઉકાર’ એવી માત્રા છે અને ‘તૈજસ’ નામે અભિમાની છે, જે સ્વપ્નાવસ્થામાં સુખદુઃખને ભોગવે છે. ઉપર કહેલાં સ્વપ્ન આદિ આઠ તત્ત્વોનું તું દ્રષ્ટા છે, માટે તે તત્ત્વો તું નહિ અને સ્વપ્નાવસ્થા આદિક તત્ત્વો તારાં પણ નહિ; તું તેઓનો સાક્ષી (જાણવાવાળો) આત્મા છે.