33 શ્રવણાદિનું સ્વરૂપ

શ્રવણાદિનું સ્વરૂપ

વળી જેમ બદામ, પિસ્તા, સાકર અને અન્ન ઘણું ચાવીને ખાઈએ તો સ્વાદ લાગે છે ને પાચન થઈને શરીરને પુષ્ટ પણ કરે છે, તેમ વેદાંતનું વારંવાર મનન કરવાથી અભેદનું તાત્પર્ય સમજવારૂપી સ્વાદ લાગે છે અને આત્મજ્ઞાનને પુષ્ટ (દઢ) કરે છે. તે રીતે મનન કર્યા પછી સજાતીય પ્રત્યયના પ્રવાહ અને વિજાતીય પ્રત્યયના તિરસ્કારરૂપ નિદિધ્યાસ કરવો, જેથી બરાબર આત્માનો અનુભવ થાય. સજાતીય પ્રત્યયનો પ્રવાહએટલે હું સત્‌, ચિત્ત, આનંદ, ફૂટસ્થ, અક્રિય, અજર, અમર, પૂર્ણ, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્તરૂપ આત્મા છું, એમ જ્ઞાનરૂપ વૃત્તિનો પ્રવાહ. વિજાતીય પ્રત્યયનો તિરસ્કાર એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર તે હું નહિં; તથા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસી તે હું નહિ; તથા પુરુષ, સ્રી, બાળક, યુવાન, વૃદ્ધ, સુખી, દુઃખી, કર્તા અને ભોક્તા તે હું નહિ; એમ જ્ઞાનપૂર્વક દેહાધ્યાસનો તિરસ્કાર. એ રીતે ભાઈ ! શ્રવણ, મનન અને નિદિધ્યાસ કરીશ, તો “હું આત્મા, નિર્વિકાર, શુદ્ધ બ્રહ્મરૂપ છું’ એવો સાક્ષાત્કાર તને થશે. તેમાં કંઈ પણ સંદેહ રહેશે નહિ. પૂર્વે બીજી ચોપાઈમાં શિષ્યે જન્મમરણ નિવૃત્ત થવા સારુ પ્રશ્ન પૂછયો હતો કે, ‘જન્મમરણ કેમ ટળશે મહારે ?’ તેનો ઉત્તર પૂર્વે “સદ્ગુરુ કહે સ્વસ્વરૂપ જાણ.’ એ ચોપાઈમાં સંક્ષેપથી કહ્યો છે, તથાપિ “અહં મમેતિ? અર્ધા શ્લોકના વ્યાખ્યાનપૂર્વક બંધન દૂર થવાના ઉપાયનું ગુરુ વિસ્તારથી નિરૂપણ કરે છે.