39 શરીર અને ઘરની એકરૂપતા
શરીર અને ઘરની એકરૂપતા
જેમ ઘરમાં આડસર તથા છાપરાની બે ઢાળની વળીઓ હોય છે. થાંભલા, બારી-બારણાં હોય છે. ઈંટ, પથ્થર અને ગારાથી બાંધેલી ભીંત છે. તે ઉપર ધોળો, કાળો કે રાતો રંગ
દીધેલો હોય છે. છાપરું ધાબાનું હોવાથી, તે ઉપર ઘાસ ઊગેલું હોય છે. તેવા ઘરમાં રહેવાવાળો પુરુષ જેમ ઘરરૂપ નથી, ઘરથી જુદો છે અને “હું ઘર છું’ એમ કહેતો પણ નથી; તેમ જ આ દેહરૂપી ઘર છે, જેમાં આડસરરૂપી વાંસાનું-બરડાનું હાડકું છે, જ પાંસળાંરૂપી વળીઓ છે, હાથ-પગરૂપી થાંભલા છે. બાકીહાડકાં તથા માંસરૂપી ઈંટ, પથ્થર તથા ગારો છે ને ગોરી, કાળી અથવા રાતી ચામડીરૂપી રંગ છે. આંખ, કાન, નાક અને મુખ આદિ ઈંદ્રિયોરૂપી ઘાસ છે. રોમરૂપી ઘાસ ઊગ્યું છે. તેવા દેહરૂપી ઘરનો દ્રષ્ટા જે તું આત્મા તે દેહરૂપ નથી, તે દેહથી જુદો છે, માટે ઉપર કહેલા વિચારથી હું દેહ છું એવું અભિમાન મટે જ છે. તે વગર બીજા કોઈ પણ પ્રકારથી મટે એમ નથી.