25 વિષ્ણુદત્ત શાહુકારનો દાખલો

વિષ્ણુદત્ત શાહુકારનો દાખલો

કોઈ એક શાહુકાર હતો. અજાણથી કોઈ દુર્જનો સાથે વ્યાપારના સંબંધથી તેના સર્વ ધનનો નાશ થયો અને ઊલટો તે શાહુકાર કરજદાર થયો અને તેના લેણદારો તેને ઘણે પ્રકારે દુઃખ દેવા લાગ્યા; તેથી તેણે વિચાર કર્યો કે, હું કોઈની ચાકરી કરી, કાંઈ કમાઈને એમને આપતો જાઉં. એમ ધારીને હલકા પગારે ગાંધી અથવા કાપડિયા વગેરેની ચાકરી તે કરવા લાગ્યો, પણ તેમાંથી બસો રૂપિયાનું વર્ષાસન મળે; તે તો પેટ ખરચમાં જ પૂરું થાય; એટલે માગનારાઓને વ્યાજ તો શેનું જ આપી શકે ? આમ થવાથી દિન-પરદિન દેવું વધ્યે જાય, તેથી તેના માગનારા ઘણો તકાદો કરી તેને દુ:ખ દેવા લાગ્યા. તેવામાં તે કરજદાર શાહુકારનો કોઈ દયાળુ અને હિતેચ્છુ મિત્ર હતો તે કહેવા લાગ્યો કે, હે ભાઈ ! આવા થોડા પગારથી નિર્ધન પુરુષોની ચાકરી કરીને તું કદી પણ કરજથી છૂટવાનો નથી, માટે એક ઉપાય બતાવું તેમ કર, આ ગામમાં એક વિષ્ણુદત્ત નામે મોટો શાહુકાર છે, તે પૈસાવાળો છે અને તે ઘણો ઉદાર પણ છે. તેને શરણે જઈને પગાર માગ્યા વિના તનમનથી પોતાનું ભા જા જ કામ જાણીને જે પ્રકારની ચાકરી કહે, તે તારે સત્યથી અને નિષ્કપટપણે કરવી. પગાર આપવાનું કહે તો તારે ના પાડવી ને કહેવું કે અન્ન-વસ્ત ઉપરાંત હમણાં મારે કાંઈ જોઈતું નથી; તેથી તારા ઉપર તેને પાકો ભરોસો આવશે અને પોતાનો જાણીને તને કરજથી મુક્ત કરશે. તે હિતેચ્છુનાં એવાં વચન સાંભળીને તે કરજદાર વિષ્ણુદત્તની પાસે નિત્ય જવા લાગ્યો ને તેની સાથે સ્નેહ કરી ઉપર કહ્યા પ્રમાણે ચાકરી કરવા લાગ્યો. ત્યારે તે
વિષ્ણુદત્તે તેને વગર પગારે સચ્ચાઈથી ચાકરી કરતો જોઈને, મોટા મુનીમનો અધિકાર આપ્યો. એ રીતે તે અધિકાર ઉપર બેત્રણ વરસ થયાં તેવામાં તેના પ્રથમના માગનારાએ વિચાર કર્યો કે, એ મોટાં મુનીમના અધિકાર ઉપર સારે ઠેકાણે છે; માટે આપણા પૈસા આપશે. એવી આશાથી ધીરજ રાખી, કેટલાક વખત સુધી ઉઘરાણી કરી નહે; તોપણ તેણે માગનારને કાંઈ આપ્યું નહે. તેથી એક દિવસ તે રસ્તામાં જતો હતો ત્યાં તેને ઊભો રાખીને માગનારના એક માણસે ઘણા તિરસ્કારપૂર્વક ચાંપીને ઉઘરાણી કરી અને ન કહેવાનાં ઘણાં જ કઠોર વચનો કહ્યાં. તે સાંભળીને તે શાહુકાર ઘણો ઉદાસ થઈને પોતાના શેઠને ઘેર ગયો. શેઠે તેને ઉદાસ જોઈને પૂછ્યું : “કેમ મુનીમ, આજ કાંઈ ઉદાસ છો ?’ તે સાંભળીને મુનીમની આંખમાં આંસુ આવ્યાં. તે જોઈ શેઠે પૂછયું : ‘આટલું બધું શું દુઃખ છે તે મને કહો. જે દુઃખ હશે તેનું હું નિવારણ કરીશ. મારી પાસે કહેવા માટે તમે કાંઈ પણ ભય ન રાખો.’ ત્યારે મુનીમ બોલ્યો : “પ્રથમ હું અજાણપણે વિશ્વાસ કરી દુર્જનો સાથે વેપાર કરતો હતો, તે કારણથી મારું ધન ખોઈ બેઠો અને ઊલટો કરજદાર થયો છું. મારા લેણદારો તમારી ચાકરીમાં રહ્યા પછી આજદિન સુધી કાંઈ પણ કહેતા ન હતા, પણ આજ તેના માણસે મને ભર્યા બજારમાં ઊભો રાખી ઘણાં કઠોર વચનો કહ્યાં અને મારી આબરૂ લીધી; તેથી મને ઘણું માઠું લાગ્યું; તે જ કારણથી હું ઉદાસ છું.’ તે સાંભળીને શેઠ કહેવા લાગ્યા : “ભલા માણસ, આજ સુધી મારી પાસે વાત પણ ન કરી ! કહ્યું હોત તો તને તે જ વખત કરજથી મોકળો કરત, પણ ચિંતા નહિ. તારા માગનાર પાસે તેં લખી આપેલા ખતના કાગળો છે કે નહિ ? હોય તો તે માગનારનાં નામ બતાવ.’ તે સાંભળીને તેણે નામ કહ્યાં એટલે માગનારને બોલાવીને શેઠે કહ્યું : “તમારાં સર્વ લહેણાંનો હું નિકાલ કરી આપું છું, તે તમારે કબૂલ રાખવો અને મુનીમને પણ પૂછયું : “જે રીતે હું પતાવું, તેમાં તને વિશ્વાસ છે કે નહિ ?’ મુનીમ બોલ્યો : “તમો કરો તે મારે કબૂલ છે.’ ત્યારે શેઠે માગનાર સાથે સમજૂતી કરીને ખતના કાગળો તે જ વખતે ફડાવી નાખ્યા ને તે કરજદારને કરજથી મુક્ત કર્યા.