64 વિષયપંચક

વિષયપંચક

શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ વિષય છે; તેથી પણ આત્મા ભિન્ન છે. તે વિષયરૂપ નથી એમ જાણવું અને એ પાંચ વિષયોમાં જો પુરુષ આસક્ત થાય છે, તો તેને બંધન થાય છે, તે માટે તેઓનો ત્યાગ કરવો. કેમ કે એક એક વિષયમાં આસક્ત થઈને એક એક જંતુ નાશ પામે છે, ત્યારે એક મનુષ્ય જો એ પાંચે વિષયમાં આસક્ત થાય, તો તેનો નાશ કેમ ન થાય? શિષ્ય : કયા કયા વિષયમાં આસક્ત થયાથી કયાં કયાં જંતુઓનો નાશ થાય છે, તે કૃપા કરી કહો. ગુરુઃ actin હરણ મરણ પામે છે. જેમ કોઈ હિંસા કરવાવાળો પારધી વનમાં ગાયન કરતો હોય, તેના નાદમાં આસક્ત થઈ હરણ નજીક આવી તે રાગને સાંભળે છે કે, તરત પારધી દગાથી હરણને મારે છે. એ રીતે શબ્દ વિષયમાં આસક્તિથી હરણનો નાશ થાય છે. સ્પર્શવિષયમાં હાથી મરણ પામે છે. જે દેશમાં હાથીઓ ઘણા હોય છે, તે દેશમાં તે હાથીના દાંતને લેવા માટે જંગલી લોકો જંગલમાં મોટા ખાડા કરે છે ને તે ખાડા ન દેખાય, તે માટે ઉપર લાંબા વાંસો નાખી ઘાસ પાથરી જમીન બરોબર કરી રાખે છે. ખાડાની જે તરફથી હાથીઓનું ટોળું આવતું હોય, તેની સામી બાજુ લાકડાંની એક હાથણી રંગ દઈ તૈયાર કરી મૂકે છે. તે જોઈ પેલા દૂરથી આવતા હાથીઓમાંનો કોઈ હાથી એ ખરી હાથણી છે, એવું ધારીને તે હાથણીને સ્પર્શ કરવા જેવો દોડે છે, તેવો જ ખાડામાં પડી મૃત્યુ પામે છે. રૂપવિષયના સેવનથી પતંગિયાનો નાશ થાય છે, તે પ્રકટ જોવામાં આવે છે, કેમ કે પતંગિયાં દીવાનું રૂપ જોઈ, તેમાં પડી મરે છે. રસવિષયથી માછલાંનો નાશ થાય છે, તે એ રીતે કે મચ્છીમાર માછલાં મારવાનો લોઢાનો કાંટો દોરીને છેડે બાંધી તે પર ખાવાની જણસ લગાડી પાણીમાં નાખે છે, ત્યારે માછલું તે ખાવાના રસની લાલચથી જેવું કાંટામાં મોઢું ઘાલે છે, તેવું જ તેમાં ભરાઈને મરે છે, તેથી રસ-વિષય પણ દુઃખનો હેતુ છે.ગંધવિષયથી ભ્રમર મરણ પામે છે. તે એ રીતે કે ખીલેલા વિકસિત કમળ ઉપર દિવસે ભ્રમર સુગંધની લાલચથી બેસી રહે છે, સાંજ પડે છે, ત્યારે કમળ બિડાઈ જાય છે, તથાપિ તે ગંધના લોભથી બહાર નીકળતો નથી. તેવામાં હાથી આવી તે કમળને ખાઇ જાય છે, જેથી ભ્રમર પણ કમળ સાથે મરણ પામે છે, તેથી ગંધવિષય પણ દુઃખનો હેતુ છે, માટે એ પાંચ વિષયોમાં દોષદષ્ટિ કરી તેઓનો ત્યાગ કરવો.