139 મુમુક્ષુને સમાધિના અભ્યાસની આવશ્યકતા
મુમુક્ષુને સમાધિના અભ્યાસની આવશ્યકતા
એ રીતે સ્વયં પ્રકાશરૂપ ચૈતન્યદેવનું સર્વાત્મપણું નિરૂપણ કર્યું. હવે અમાનિત્વાદિ સારાં સાધનોનું સંપાદન કરીને તથા પૂર્વે ૨૯મા દુહામાં નિરૂપણ કરેલું, જે સામવેદના મહાવાક્યનો અખંડાર્થ (અભેદાર્થ) તેને બ્રહ્મનિષ્ઠ સદગુરુના ઉપદેશપૂર્વક હૃદયમાં ધરીને મનન-નિદિધ્યાસનથી હું નિત્ય શુદ્ધ, બુદ્ધ, મુક્ત, પ્રત્યક, એકરસ, સચ્ચિદાનંદ, બ્રહ્મરૂપ છું; એવા દઢ અનુભવપૂર્વક નિર્વિકલ્પ, નિષ્ક્રિય, આત્માનો સાક્ષાત્કાર જેને થયો છે, તે પુરુષ જ્ઞાનામૃતથી જીવન્મુક્ત થઈને કૃતકૃત્યતારૂપી તૃપ્તિને પ્રાપ્ત થયો છે તેને યદ્યપિ કાંઈ કર્તવ્ય નથી, તથાપિ જે પુરુષ મોક્ષેચ્છાથી શ્રવણાદિકમાં પ્રવૃત્ત છે પણ તેના મનની વૃત્તિ બાહ્ય વિષયોના સંકલ્પો ચંચળ છે, તેથી અપરોક્ષ અદ્વિતીય આત્માના અનુસંધાનમાં દઢ નિષ્ઠાવાન થતી નથી, તે મુમુક્ષુને બાહ્ય વિષયોના સંકલ્પોની નિવૃત્તિપૂર્વક મનની વૃત્તિને સ્થિરતા થવા માટે તથા અદ્વિતીય આત્માનો અપરોક્ષ દઢબોધપૂર્વક જીવન્મુકતતા થઈને વિદેહમુક્તિ થવા માટે સમાધિનો અભ્યાસ અવશ્ય કરવો યોગ્ય છે. તે માટે તે અભ્યાસના પ્રકારને દુહાથી શ્રીગુરુ નિરૂપણ કરે છે.