133 પ્રારબ્ધ કર્મને અનુકૂળ જ્ઞાનનો અનુભવ
પ્રારબ્ધ કર્મને અનુકૂળ જ્ઞાનનો અનુભવ
શિષ્ય : જ્યારે જ્ઞાનથી સંચિત, ક્રિયમાણ પુણ્યપાપાદિક સર્વ કર્મોની નિવૃત્તિ થાય છે, ત્યારે પ્રારબ્ધ કર્મની નિવૃત્તિ કેમ થતી નથી, એ સંદેહ ઉત્પન્ન થાય છે, તેનું સમાધાન કૃપા કરી કરો. ગુરુ : જ્ઞાન છે તે અજ્ઞાનનું તથા સંચિત ક્રિયમાણ કર્મનું વિરોધી છે; પણ પ્રારબ્ધ કર્મનું વિરોધી નથી અને પ્રારબ્ધ કર્મનું વિરોધી જો જ્ઞાન હોય, તો જે વખતે જ્ઞાન ઉદય પામે તે જ વખતે પ્રારબ્ધ કર્મના નાશથી પ્રારબ્ધથી રહેલા જ્ઞાનીના દેહનો પણ નાશ થવો જોઈએ, પણ તે તો કાંઈ થતો નથી; તેથી પ્રારબ્ધ કર્મનું જ્ઞાન વિરોધી નથી એમ પ્રકટ દેખાય છે; અને યુક્તિવિચારથી પણ એમ જ નિશ્ચય થાય છે. તે યુક્તિ કહું છું તેને એકાગ્રચિત્તથી શ્રવણ કરીને વિચારપૂર્વક સંદેહને નિવૃત્ત કર. હે શિષ્ય ! જ્ઞાનના ઉપદેશકર્તા જે ગુરુ છે તે જ્ઞાની છે અથવા અજ્ઞાની છે ? જો કહીએ કે અજ્ઞાની છે, તો તે ગુરુને જ્યારે પોતાને જ્ઞાન નથી, ત્યારે બીજા જિજ્ઞાસુને જ્ઞાનનો ઉપદેશ કેમ કરી શકે ! અર્થાત્ ન કરી શકે; અને જો કહીએ કે જે જ્ઞાની ગુરુ છે, તે જ્ઞાનનો ઉપદેશ કરે છે, તો તે જ્ઞાની ગુરુને જે જ્ઞાનનો ઉપદેશ કરવાનો હોય તે તો દેહ વિના સંભવતો નથી, ને દેહની સ્થિતિ પ્રારબ્ધ કર્મ વિના સંભવતી નથી; તેથી જો જ્ઞાની ગુરુનો દેહ પ્રારબ્ધ કર્મ સહિત રહ્યો છે, તો જ જ્ઞાનનો ઉપદેશ તે કરે છે; તેથી એમ સિદ્ધ થાય છે કે જ્ઞાન પ્રારબ્ધ કર્મનું વિરોધી નથી અને જો જ્ઞાન પ્રારબ્ધ કર્મનું વિરોધી છે એમ કહીએ તો જે કાળે ગુરુને જ્ઞાન થયું, તે જ કાળે ગુરુના પ્રારબ્ધ કર્મનો નાશ થવાથી ગુરુના દેહનો પણ નાશ થવો જોઈએ અને જ્યારે ગુરુના દેહનો નાશ થાય, ત્યારે જ્ઞાનના ઉપદેશ કરવાવાળા ગુરુના અભાવથી જ્ઞાનનો સંપ્રદાય ઉચ્છિન્ન થશે અને કોઈ પણ ઉપદેશકર્તા જ્ઞાની છે એમ કહેવું જ નહિ સંભવે. એ મોટા વિરોધ આવશે, માટે જ્ઞાન પ્રારબ્ધ કર્મનો નાશ કરતું નથી એમ જ માનવું યોગ્ય છે અને યાજ્ઞવલ્કય તથા ઉદ્દાલક, વસિષ્ઠ, પરાશર, વીતહવ્ય, વેદવ્યાસ, શુકદેવ આદિ અક્વેતજ્ઞાનનિષ્ઠ જ્ઞાની પુરુષ જ્ઞાનના સંપ્રદાયને પ્રવૃત્ત કરનારા ઘણા થયા છે, એ વાર્તા શ્રુતિશાસ્રમાં પ્રસિદ્ધ છે; એમ જ જનક, ભગીરથ, શિખરધ્વજાદિ મહાન રાજાઓ પણ અક્વૈત-જ્ઞાનનિષ્ઠાથી જીવન્મુક્ત થયા છે, તે પણ મહાભારત, યોગવાસિષ્ઠ આદિ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. જો જ્ઞાનથી પ્રારબ્ધ કર્મનો નાશ થતો હોત, તો તે યાજ્ઞવલ્કયાદિક wala તથા જનકાદિ રાજાઓને જીવન્મુક્ત ન કહી શકાત; કેમ કે જે પુરુષ પ્રારબ્ધ કર્મથી જીવે છે અને આત્માનો નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત એક અદ્વેત, અકર્તા, અભોક્તા, સચ્ચિદાનંદરૂપ જાણીને મુક્ત છે, તે જીવન્મુક્ત કહેવાય છે. તેથી સ્પષ્ટ જણાય છે કે, જ્ઞાન પ્રારબ્ધ કર્મને નિવૃત્ત કરતું નથી અને શ્રીરામચંદ્ર, યુધિષ્ઠિરાદિ સમર્થોને પણ જ્ઞાન છતાં પ્રારબ્ધ કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડ્યું છે, તે વાલ્મીકિય રામાયણ તથા મહાભારત આદિ ઇતિહાસોથી પ્રસિદ્ધ છે.