132 પ્રારબ્ધકર્મની નિવૃત્તિ કયા પ્રકારે ?
પ્રારબ્ધકર્મની નિવૃત્તિ કયા પ્રકારે ?
જેમ કોઈ એક પુરુષે પોતાની ચાલાકી જોવાને કોઈ વૃક્ષના ધારેલાં પાંદડામાં છિદ્ર પાડવા માટે ધનુષ્યને ખેંચીને જોરથી એક બાણ માર્યું; તેથી પોતાનું ધારેલું પાંદ્ડું વીંધાયું, પણ તે પત્રમાં છિદ્ર પડ્યા પછી તે પુરુષના મનમાં એમ થયું કે, એ બાણ હવે લાંબું આગળ ન જાય તો ઠીક, તથાપિ તેમ થતું નથી; કારણ કે બાણનો જ્યાં સુધી વેગ છે, ત્યાં સુધી તે અવશ્ય જવાનું છે. વેગ થઈ રહ્યા પથી જ પડવાનું, તે વિના પડવાનું નથી. વળી તે જ પુરુષ પોતાની પાસે ભાથામાં તથા હાથમાં જે બીજાં બાણ છે, તેને કોઈના ઉપદેશથી પ્રતિકૂળ જાણીને ફેંકી દેવાને અથવા અગ્નિમાં બાળી નાખવાને સ્વતંત્ર છે; તથાપિ હાથથી છૂટેલા બાણને રોકવા સમર્થ નથી; તે જ પ્રમાણે જ્ઞાની પોતાનાં સંચિત તથા ક્રિયમાણ કર્મોનો જ્ઞાનાગ્નિથી નાશ કરવા સમર્થ છે, પણ ભોગ આપવા પ્રવૃત્ત થયેલાં જે પ્રારબ્ધ કર્મ તેને રોકવા હાથથી છૂટેલા બાણ પેઠે શક્તિમાન નથી.