40 દેહના મમત્વ વિષે સંવાદ
દેહના મમત્વ વિષે સંવાદ
શિષ્ય : હે ગુરો ! તમે જે કહ્યું એ પ્રકારથી વિચાર કરતાં આ દેહ હું નથી એમ જાણ્યાથી દેહમાંથી અહંતા દૂર થાય છે, તથાપિ દેહ મારો છે, એવી રીતે મમતા તો રહી છે અને દષ્ટાંતથી તે અનુભવમાં પણ આવે છે. જેમ ઘટનો જોવાવાળો હું ઘટ નહીં, પણ ઘટ મારો છે એમ કહેવાય છે; જેમ ઘરમાં રહેવાવાળો હું ઘર નહિ પણ ઘર મારું છે એમ કહેવાય છે; તેમ દેહનો દ્રષ્ટા હું દેહ નથી પણ આ દેહ મારો છે, એમ કહેવાથી મમત્વ તો દેખવામાં આવે છે. માટે તે મમત્વ જે વિચારથી દૂર થાય તે કૃપા કરી કહો.