19 દૃષ્ટાંતનો સિદ્ધાંત
દૃષ્ટાંતનો સિદ્ધાંત
બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત થવાની ઇચ્છાવાળો જે મુમુક્ષુ, તેને સ્વદેશ જવાની ઇચ્છાવાળો સમજવો. જન્મમરણરૂપી જેમાં પ્રવાહ છે એવી સંસારરૂપી નદી જાણવી. તેનો પેલો કાંઠો તે પરમાત્માની પ્રાપ્તિ જાણવી. નદીના કિનારા ઉપર અંધને ઠેકાણે શ્રોત્રિય કહેતાં કેવળ શાસ્રને જાણવાવાળો જાણવો. અને શાસ્ત્રાર્થ નિરૂપણ કરવારૂપી પગમાં જોર છે, પણ પેલા પારના કિનાસરૂપી બ્રહ્મસ્વરૂપને તે દેખાતો નથી; તેથી કેવળ શ્રોત્રિય ગુરુના આશ્રયથી સ્વસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પાંગળાને ઠેકાણે કેવળ બ્રહ્મનિષઠ સમજવો. જેને ગુરુકૃપાથી બ્રહ્મસ્વરૂપનાઅપરોક્ષ જ્ઞાનરૂપી ચક્ષુ છે, તે સંસારનદીની પાર જે પરબ્રહ્મ, તેને યથાર્થ જાણે છે, પણ તેને વેદવાક્યોના પ્રમાણપૂર્વક યુક્તિથી ઉપદેશ કરવારૂપી પગ નથી, તેથી તે જો બીજાને બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ થવાનો ઉપાય બતાવીને કહે કે, “આ સંસારરૂપી નદી તુચ્છ છે અને ઈશ્વરકૃપાથી ગાયની ખરીની પેઠે તરવાને સહજ છે અને પરમેશ્વર એક, અદિતીય, અનંત, અસંગ, અક્રિય, નિર્વિકાર, નિરાકાર, નિર્ગુણ, નિત્ય, પ્રત્યક્ષ આત્મા, દેહત્રયથી વિલક્ષણ, ત્રણ અવસ્થાના સાક્ષી, પંચકોશાતીત, વ્યાપક, દ્રષ્ટા, સ્વયંજ્યોતિ સચ્ચિદાનંદરૂપ છે.તેના જ્ઞાનથી સંસાર નદીની પાર ક્લેશ વિના સુખથી જઈશ.’ તોપણ તે સાચો ઉપદેશ છતાં તેના બોલવામાં બીજા મુમુક્ષુને વિશ્વાસ આવતો નથી; કારણ કે તે કાંઈ શ્રુતિ-સ્મૃતિનાં વાક્યોનું પ્રમાણ કહેતો નથી, તેથી તેના વાક્યમાં પણ સંદેહ રહે છે માટે દૃષ્ટાંતમાં નદીપાર જનારો પુરુષ જેમ નેત્રવાળા અને પગવાળા પુરુષની સહાયતાથી નદીપાર ગયો તેમ શ્રોત્રિય તથા બ્રહ્મનિષ્ઠ એ બે વિશેષણવાન ગુરુની જ સહાયતાથી સંસારનદીની પાર જવાય છે; માટે તેવા ગુરુને શરણે જવું.