131 જીવન્મુક્તિનું નિરૂપણ

જીવન્મુક્તિનું નિરૂપણ

ચોપાઈ
દેહને માથે પ્રારબ્ધ કર્મ,
હું પોતે અભોક્તા પરબ્રહ્મ;
એમ જે જાણે અનુભવયુક્ત,
તેને કહીએ જીવન્મુક્ત.

ટીકા : સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ એ ત્રણ પ્રકારનાં કર્મ છે. તેમાં સંચિત તથા ક્રિયમાણ એ બે પ્રકારનાં કર્મનો જ્ઞાનથી નાશ થાય છે અને બાકી રહ્યું જે સુખ-દુઃખ ભોગરૂપ
પ્રારબ્ધ કર્મ તે દેહને માથે છે, કહેતાં દેહથી ભોગવાય છે. તેમાં સ્થૂલ દેહ છે તે ભોગાયતન છે, ઇંદ્રિયો છે તે ભોગ ભોગવવાનું સાધન છે ને ચિદાભાસસંયુક્ત જે અંતઃકરણ છે, તે સુખ-દુઃખભોગરૂપ જે પ્રારબ્ધ કર્મ તેનું ભોક્તા છે. તે પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતું નથી અને “પ્રારબ્ધ કર્મનો ભોગથી જ નાશ થાય છે’ એવું શાસ્ત્રનું પણ વાક્ય છે. જ્ઞાની અથવા અજ્ઞાનીનો જે દેહ ઉત્પન્ન થયો છે, તે અવશ્ય ભોગ દેવાવાળાં જે પ્રારબ્ધ કર્મ છે, તેથી જ થયો છે; માટે તેના ફળરૂપ ભોગ અવશ્ય ભોગવ્યાથી જ નિવૃત્ત થાય છે. જોકે જ્ઞાની દેહની તથા તેના ભોગની અપેક્ષા કરતો નથી, તોપણ જ્યાં સુધી પ્રારબ્ધના ભોગનો વેગ છે, ત્યાં સુધી દેહ સહિત સુખ-દુઃખાદિક ભોગ અવશ્ય થવાનો છે તે નહિ ટળે; કેમ કે તે પ્રારબ્ધ કર્મ ફળ દેવાને પ્રવૃત્ત થઈ ચૂક્યું છે, તેથી ફળ આપ્યા વિના નિવૃત્ત થતું નથી.