42 જીવને બંધન થવાનું કારણ

જીવને બંધન થવાનું કારણ

 

જીવરૂપી ધનવાન પુરુષને મોક્ષ મેળવવારૂપી શુભ કામ કરવાની ઇચ્છા થઈ; પણ પોતાના દેવ-ગંધર્વ આદિક શરીરમાં ભોગની આસક્તિથી આત્મજ્ઞાન ન થાય તથા પશુપક્ષી આદિ દેહમાં અતિ મૂઢતાના યોગથી પણ આત્મજ્ઞાન ન થાય, તેથી પશુપક્ષી આ મનુષ્યદેહ પંચમહાભૂત પાસેથી માગી લીધો ને તેમાં આવી નિવાસ કર્યો; તોપણ મનુષ્યશરીરમાં અનેક વિષયોની આસક્તિરૂપી વિઘ્નોથી આત્મજ્ઞાન દ્વારા મોક્ષ મેળવવાનો વિચાર કરવો તે ભૂલી ગયો ને ઊલટો પંચભૂતનો દેહ મારો છે, એમ તે માની બેઠો. ત્યારે પંચભૂતોએ શાસ્ત્ર દ્વારા કહેવડાવ્યું કે, આ દેહ પંચભૂતનો છે , માટે એમ અભિમાન તથા મમત્વ ન રાખવું; તથાપિ એવાં શાસ્રોનાં વાક્યોની તે દરકાર કરતો નથી અને તેને કોઈ સ્નેહી સત્પુરુષ, સન્મિત્ર વેદાંત શ્રવણ કરવાનો ઉપદેશ કરે, તો આડાંઅવળાં બહાનાં કાઢે ને મને વખત મળતો નથી એ રીતે કહી અનાદર કરે. એમ કરતાં પંચભૂતોએ આજકાલ આત્મવિચાર કરીને અમારો દેહ અમને પાછો સોંપશે; એમ ધારીને ઘણાં વર્ષો વાટ જોઈ; તથાપિ તેણે કાંઈ વિચાર ન કર્યો, ત્યારે પંચભૂતોએ યમરાજા પાસે ફરિયાદ કરી કહ્યું કે, આ અજ્ઞાની જીવે અમારા કાર્યરૂપ મનુષ્યદેહને મોક્ષનું સાધન મેળવવા સારુ લીધો હતો, પણ કાંઈ મોક્ષનું સાધન મળ્યું નહિ ને ઊલટો દેહનો માલિક થઈ બેઠો છે; માટે અમારો દેહ અમને પાછો સોંપાવો. ત્યારે યમરાજાએ પોતાનો દૂત મોકલી તે અજ્ઞાનીને બોલાવ્યો; તેથી વ્યાફુળતાથી બેભાન થઈ યમરાજા પાસે જવાની તૈયારી કરી, પણ તે વખતે મારે આ કામ છે; હાલ મારાથી નહિ અવાય એમ કહેવાયું નહે ને સ્રી, પુત્ર આદિ સંબંધીને રુદન કરતાં મૂકીને – પોતે યમરાજાના દૂત સાથે યમલોકમાં ગયો.