18 ગુરુથી મળતા જ્ઞાનનું દષ્ટાંત

ગુરુથી મળતા જ્ઞાનનું દષ્ટાંત

કોઈ એક પોતાને સ્વદેશ જનારો પુરુષ રસ્તામાં જતો હતો. ત્યાં વચમાં એક નદી આવી. તે ઊતરવા સારુ કિનારે પૂછપરછ કરવા લાગ્યો કે, મારે નદીની પાર જવા સારુ શો  પાય કરવો ? તે સાંભળી નદીને કિનારે એક પુરુષ, જે શરીરે પુષ્ટ તથા ચાલવામાં સમર્થ હતો પણ અંધ હતો, તે કહેવા લાગ્યો કે, મારી ખાંધ ઉપર તમે બેસો, તો હું તમને નદીપાર ઉતારી દઉં. ત્યારે તે અંધનાં વચન સાંભળી પાર જવાવાળા પુરુષને વિચાર થયો કે એ અંધ છે, તેથી પેલી પારનો કિનારો તો દેખતો નથી, ત્યારે તે મને કેમ પાર ઉતારશે ? માટે તેના વિશ્વાસે જવું એ ભયનો હેતુ છે તેથી ના પાડી. તે વખતે તે જ કિનારા ઉપર એક બીજો પાંગળો પુરુષ બેઠો હતો, તે આંખે દેખતો હતો. તેણે તે પુરુષને કહ્યું કે, તમારે બીજા સાથે જવાની કાંઈ જરૂર નથી; કેમ કે નદીમાં પાણી થોડું છે, તે હું જાણું છું, માટે હું કહું તે રસ્તે જાઓ , તો સહેજે પાર ઊતરી જશો એમ કહી બતાવ્યું કે આ કિનારાથી તમે જરા નીચે ઊતરી વીસ કદમ સીધા ચાલીને જમણી તરફ જરા વળીને ચાલ્યા જશો, તો વગર અડચણે પાર ઊતરશો. ગળાનાં એવાં વચન સાંભળીને તે વચન ઉપર પાર જવાવાળા પુરુષને વિશ્વાસ ન આવ્યો અને તે વિચારવા લાગ્યો કે પોતે પગ વિનાનો છે અને કોઈ દિવસ નદીમાં ગયો નથી, તેથી પાણી ઘણું છે અથવા થોડું છે તે જાણતો નથી; માટે તેના કહ્યાથી હુંજાઉ ને કદાપિ વચમાં પાણી ઊંડું આવે ને હું ડૂબું, ત્યારે મારી શું સહાયતા કરે ? એમ ધારી તેનું વચન ન માન્યું. એ રીતે તે પંગુ સાચી વાત કહે છે અને પાણી પણ થોડું છે, તથાપિ બતાવનાર પાંગળો છે તેથી તેના વચનમાં વિશ્વાસ ન આવ્યો તે ગયો નહિ તેટલામાં જ તેજ કિનારે એક ત્રીજો પુરુષ દૈવેચ્છાથી આવી મળ્યો. તે નેત્રે દેખતો હતો, ને ચાલવામાં સમર્થ અને તરવાની શક્તિવાળો હતો; તેણે તે પાર જનાર  પુરુષને કહ્યું કે, મારી સાથે આવો, તો હું તમને પાર ઉતારું; ત્યારે તેનાં વચનમાં ભરોસો આવ્યો અને તેની સહાયતાથી તે પાર ઊતરી પોતાને સ્વદેશ પહોંચ્યો.