50 ગાડીનું દષ્ટાંત

ગાડીનું દષ્ટાંત

 

વિવેકી અને અવિવેકી નામના બે પુરુષ રસ્તામાં ચાલ્યા જતા હતા. તેમાં અવિવેકીએ વિવેકીને કહ્યું : “તમે ચાલતાં ચાલતાં થાકી ગયા હશો, તેથી પેલી ગાડી આવે છે તેમાં બેસો.’
વિવેકી બોલ્યો : “ગાડી કાંઈ દેખાતી નથી.’ અવિવેકી બોલ્યો : “ગાડી પ્રત્યક્ષ આવતી દેખાય છે ને તમે કહો છો કે “નથી દેખાતી.’ તેનું કારણ શું ?’ વિવેકી બોલ્યો “એ ગાડી સિદ્ધ ન થાય તો તને શી શિક્ષા કરવી ?’ પેલાએ જવાબ દીધો : “મારા મોઢા ઉપર એક તમાચો મારજો’ એમ વાદ કરતાં ગાડી નજીક આવી, ત્યારે તેને કહ્યું : “આ ગાડી છે. તમારી મરજી હોય તો બેસો; ભહું નક્કી કરી આપું.’ વિવેકી બોલ્યો : “મોઢેથી જ ગાડી કહો છો, પણ હાથ મૂકીને તો બતાવો !’ પેલાએ હાથ મૂકી કહ્યું : “આ ગાડી છે.’ ત્યારે પેલો વિવેકી કહેવા લાગ્યો : “આ તો ધરી છે, પૈડાં છે, કમાન છે, બારણું છે’ વગેરે વગેરે. જયાં જયાં હાથ  મૂકતો ગયો, તે તે અવયવોનાં નામ તે કહેતો ગયો, તેથી કાંઈ ગાડી સિદ્ધ થઈ નહિ. ત્યારે અવિવેકીએ કહ્યું : “ઠીક, હવે મારાં મોઢા ઉપર તમાચો મારો.’ ત્યારે વિવેકીએ કહ્યું : “આંગળી મૂકી તારું મોઢું બતાવ એટલે મારું.’ ત્યારે તે અવિવેકીએ ગાલ ઉપર હાથ મૂક્યો, તેવો જ વિવેકી બોલ્યો : “એ તો ગાલ છે.’ બીજાં સર્વ ઠેકાણે પેલાએ હાથ મૂક્યો, તેમ વિવેકી કહેતો ગયો : “એ તો કપાળ છે, દાઢી છે, હોઠ છે, નાક છે, આંખ છે વગેરે.’
પણ મોઢું કંઈ સિદ્ધ થયું નહિ. માટે એ પ્રમાણે સઘળાં નામોનું જો ખરું રૂપ શોધીએ તો સિદ્ધ થાય નહે. કેવળ વ્યવહાર સિદ્ધ થવા સારુ નામની કલ્પના માત્ર કરી છે; તેમ જ આ દેહ પણ કલ્પના માત્ર છે, તેથી તેમાં અહંતામમતા ન કરવી અને એ જ મોક્ષ છે અને આ સ્થૂલ દેહને અન્નમય કોશ કહીને વર્ણન કરેલું છે. તે અન્નમય કોશથી પણ આત્માને ભિન્ન જાણવો. શિષ્ય : સ્થૂલ દેહને અન્નમય કોશ કેમ કહ્યો તે કૃપા કરી કહો.