47 કૌષ્ટકનો અર્થ
કૌષ્ટકનો અર્થ
પૃથ્વીનો અસ્થિ (હાડકાં) મુખ્ય ભાગ છે; કેમ કે તે પૃથ્વીની પેઠે કઠણ છે, તેથી પૃથ્વીનો અડધો ભાગ જાણવો અને બાકીના અડધા ભાગના ચાર ભાગ થયા; જેવાં કે – ૧. શોણિત; ૨. આલસ્ય, ૩. સંકોચન અને ૪. કટ્યાકાશ. તે જલ આદિ બીજા ચાર ભૂતમાં મળ્યા. તે કહું છું : ૧. શોણિત Gla) રંગ લાલ છે, તે પૃથ્વીનો ભાગ છે. તે જળમાં મળ્યો તે સારુ જળનાં તત્ત્વો સાથે કહેવાય છે. ર. આલસ્ય-પૃથ્વી પેઠે આળસમાં જડતા છે, તેથી એ પૃથ્વીનો ભાગ છે અને તેજમાં મળ્યો, તેથી તેજનાં તત્ત્વો સાથે કહેવાય છે. ૩. સંકોચન એ પણ પૃથ્વીની પેઠે જડતાનો હેતુ છે; માટે પૃથ્વીનો ભાગ છે; પણ વાયુને મળ્યો, તેથી વાયુનો ગણાય છે. ૪. કટ્યાકાશ એ પૃથ્વીનો ભાગ જે મળ, તેને રાખે છે, માટે એ પૃથ્વીનો ભાગ છે, પણ આકાશને મળ્યો, તેથી આકાશનો કહેવાય છે. જલનો મુખ્ય અડધો ભાગ વીર્ય છે. તેનું કારણ એ છે કે જલ જેમ સફેદ છે અને વૃક્ષાદિકને ઉત્પન્ન કરે છે, તેમ વીર્ય પણ સફેદ છે અને ગર્ભને ઉત્પન્ન કરે છે; માટે તે ભાગ જલનો છે એમ જાણવું. હવે બાકીના અરધા ભાગના ચાર ભાગ થયા. જેવાં કે – ૧. માંસ, ૨. કાંતિ, ૩. ચલન અને ૪. ઉદરાકાશ. તે પૃથ્વી આદિ બીજા ચાર ભૂતમાં મળ્યા તે કહું છું. ૧. માંસ દ્રવીભૂત છે, તેથી જલનું છે; પણ પૃથ્વીનાં તત્ત્વો સાથે મળ્યું, તેથી પૃથ્વીનું કહેવાયું. ૨. કાંતિ જલની છે; કેમ કે જલના સંબંધથી કાંતિમાં ફેરફાર થાય છે; પણ તે કાંતિ તેજની સાથે મળી, તે સારું તેજની કહેવાઈ. ૩. ચલન પાણીની પેઠે ચલાયમાન છે, તેથી જલનું છે; પણ વાયુના તત્ત્વ સાથે મળ્યું તેથી વાયુનું કહેવાયું. ૪. ઉદરાકાશ જલને રહેવાનું સ્થાનક છે; તેથી જલનું છે; પણ આકાશમાં મળ્યું, તે સારુ-આકાશનું કહેવાયું. તેજનો મુખ્ય અરધો ભાગ ક્ષુધા છે, તેનો હેતુ એ છે કે, ઉદરમાં અગ્નિ પ્રબળ થયાથી ક્ષુધા લાગે છે, તે કારણથી તેજનો છે. બાકીના અરધા ભાગમાંથી ચાર ભાગ થયા : જેવાં કે – ૧. નાડી, ૨. મૂત્ર, ૩. ઉત્કમણ અને ૪. હૃદયાકાશ. તે પૃથ્વી આદિ બીજા ચાર ભૂતમાં મળ્યા, તે કહું છું. ૧. નાડીથી જ્વરની પરીક્ષા થાય છે; માટે તેજની છે; પણ પૃથ્વીના તત્ત્વમાં મળી, તેથી પૃથ્વીની કહેવાઈ.
૨. મૂત્ર ગરમ છે, માટે તેજનું છે; પણ જળનાં તત્ત્વમાં મળ્યું, તેથી જલનું કહેવાયું. ૩. ઉત્ક્રમણમાં અગ્નિની પેઠે ઊર્ધ્વ ગતિ છે, માટે તેજનું છે; પણ વાયુના તત્ત્વમાં મળ્યું, તેથી વાયુનું કહેવાયું. ૪. હૃદયાકાશ એ સર્વદા હૃદયમાં ઉષ્ણતા રહે છે તેથી તેજનું છે; પણ આકાશના તત્ત્વમાં મળ્યું તેથી આકાશનું કહેવાયું. વાયુનો પોતાનો અરધો મુખ્ય ભાગ ધાવન દોડવું) છે; કેમ કે વાયુની પેઠે વેગથી દોડાય છે; માટે વાયુનો ભાગ છે. બાકી વાયુના અરધા ભાગમાંથી ચાર ભાગ થયા; તે એ કે ૧. ત્વચા, ૨. સ્વેદ, ૩. તૃષા અને ૪. કંઠાકાશ. તે પૃથ્વી આદિ બીજાં ભૂતોમાં મળ્યા. તે કહું છું. ૧. ત્વચાથી સ્પર્શ થાય છે, તેથી વાયુની છે; પણ પૃથ્વીના તત્ત્વ સાથે મળી, તેથી પૃથ્વીની કહેવાઈ. ર. સ્વેદ એ ઘણા શ્વાસોચ્છ્વાસરૂપ વાયુથી પરસેવો થાય છે અને વાયુથી સુકાય છે, માટે વાયુનો છે, પણ જલના તત્ત્વ સાથે મળ્યો તેથી જલનો કહેવાયો. ૩. તૃષા એ વાયુથી શોષણ થઈ, ઉત્પન્ન થાય છે, માટે
વાયુની છે; પણ તેજના તત્ત્વ સાથે મળી તેથી તેજની કહેવાઈ. ૪. કંઠાકાશ વાયુને જવા-આવવાનું સ્થાનક છે, માટે વાયુનો ભાગ છે; પણ આકાશના તત્ત્વ સાથે મળ્યો તેથી આકાશનો કહેવાય છે. આકાશનો પોતાનો મુખ્ય અરધો ભાગ શિર-આકાશ છે; કારણ કે માથામાં જે પોલાણ છે તે આકાશરૂપ છે અને એના બાકીના અરધા ભોગમાંથી ચાર ભાગ થયા; તે એકે ૧. રોમ, ર. લાલા, ૩. નિદ્રા, ૪. પ્રસારણ. તે પૃથ્વી આદિ બીજાં ચાર ભૂતમાં મળ્યા તે કહું છું. ૧. રોમ-કાપવાથી દુઃખ થતું નથી. માટે તે આકાશનાં છે;
પણ પૃથ્વીના તત્ત્વ સાથે મળ્યાં તેથી પૃથ્વીનાં કહેવાયાં. ૨. લાલા-શિર આકાશમાંથી નીચે આવે છે, માટે આકાશની છે; પણ જલના તત્ત્વ સાથે મળી તેથી જલની કહેવાઈ.
૩. નિદ્રા-શૂન્ય સ્વભાવ છે, માટે તે આકાશની છે; પણ તેજના તત્ત્વ સાતે મળી તેથી તેજની કહેવાય છે. ૪. પ્રસારણમાં વ્યાપકતા છે, માટે તે આકાશનું છે; પણ વાયુના તત્ત્વ સાથે મળ્યું અને વાયુથી જ શરીર પહોળું થાય છે, તેથી વાયુનું કહેવાય છે.