27 કર્મો જ્ઞાનથી નિવૃત્ત થાય

કર્મો જ્ઞાનથી નિવૃત્ત થાય

ગુરુઃ એમાં વાર નહિ લાગશે જાણ,
એવું વેદવચન છે પ્રમાણ;
આ પંચીકરણનો વિચાર જો કરે,
તો હમણાં મુક્તિ મળશે તાહારે.

ટીકા : હે ભાઈ ! અનાદિકાળમાં તારાં કર્મો, અજ્ઞાન તથા દેહાધ્યાસ છે; પણ આત્મજ્ઞાન થયા પછી તેને દૂર થતાં કાંઈ પણ વાર લાગશે નહિ તે વિષે એક દાખલો આપું છું, તે સાંભળ. જેમ પૃથ્વી ઉપર પર્વત છે; તે મધ્યેની ગુફામાં ઘણા કાળનો અંધકાર છે. આ અંધકાર જપતપ કરવાથી અથવા લાકડીથી મારી કાઢવાથી નાશ પામતો નથી, પણ માત્ર પ્રકાશથી જ તે નાશ પામે છે. જે વખતે ગુફામાં મશાલ લઈ જઈએ, ત્યારે અંધારું કાંઈ એમ નથી કહેવાનું કે, હું ઘણા કાળનું છું, માટે તરત નહિજાઉં; કેમ કે તે અંધારાનો વિરોધી પ્રકાશ પ્રગટ થયો કે, તેથી તરત જ તે દૂર થાય છે. એમાં જેમ વાર લાગતી નથી.