29 આત્મજ્ઞાન વિષે પંચીકરણ
આત્મજ્ઞાન વિષે પંચીકરણ
ગુરુ : “આ પંચીકરણ ઇતિ આ પંચીકરણનો વિચાર જો તું કરીશ, તો તને આત્માનું જ્ઞાન થશે અને જ્ઞાનથી દેહ વિષેનું મિથ્યા જ્ઞાન દૂર થશે, તો હમણાં જીવતાં આ દેહમાં જ તરત જ તને મોક્ષની પ્રાપ્તિ થશે. શિષ્ય : હે મહારાજ ! તમે કહ્યું કે પંચીકરણના વિચારથી તને મોક્ષ થશે, પણ પંચીકરણમાં શું કહ્યું છે તે કૃપા કરીને કહો. ગુરુઃ એમાં પંચભૂતનો વિચાર જ કહ્યો, જુદાં જુદાં તત્ત્ત બતાયો;
સદ્ગુરુમુખે સમજી લેજો,
તો બ્રહ્મસુખ પામે આજો.
ટીકા : હે ભાઈ ! એ પંચીકરણમાં પંચભૂતનો વિચાર કહ્યો છે. પંચભૂત કહેતાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ; તેના તથા સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ શરીરોના જુદા જુદા પ્રકારથી તત્ત્વોના વિભાગવર્ણન કરેલાં છે; અને તે’ભૌતિક તત્ત્વોથી જુદો તથા તેને જાણનારો દ્રષ્ટા સાક્ષી જે આત્મા, તેનું તત્ત્વ(સ્વરૂપ) પણ બતાવ્યું છે. તે પંચીકરણનો અર્થ બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ પાસે શ્રવણ કરી સમજી લેજો. ને તે સમજ્યાથી આત્મતત્ત્વનો અનુભવ થશે, તો તેના યોગથી આ જ દેહમાં જીવતાં જ તરત બ્રહ્મસુખની પ્રાપ્તિ થશે. શિષ્ય : હે મહારાજ ! બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ પાસેથી પંચીકરણ શ્રવણ કરી સમજવાની શી જરૂર છે ? કેમ કે તે પંચીકરણ તો પ્રાકૃત ભાષામાં છે અને હું વાંચી શકું એવું છે અને અર્થ પણ એમ સમજાય છે. ત્યારે તમે સદ્ગુરુ પાસે સમજી લેજો એમ શા વાસ્તે કહ્યું ? ગુરુ : હે શિષ્ય ! અક્ષર વંચાય, અર્થ પણ સમજાય, પણ સદગુરુના ઉપદેશ વિના શબ્દોનું જે વાસ્તવિક તાત્પર્ય છે, તે કાંઈ સમજાતું નથી અને આત્માનો નિઃસંદેહ બોધ પણ થતો નથી. તે સંબંધી એક દાખલો આપું તે સાંભળ.