48 અહંતા-મમતા દૂર કરવાનો વિચાર
અહંતા-મમતા દૂર કરવાનો વિચાર
એ રીતે સ્થૂલ દેહનાં પચીસ તત્ત્વોમાં પંચીકરણનું નિરૂપણ કર્યું છે, તે ગૌણ પક્ષથી સમજવા સારુ છે અને પંચીકૃત પંચમહાભૂતમાંથી પચીસ તત્ત્વોનો જે સ્થૂલ દેહ થયો છે તે જ
મુખ્ય પક્ષ છે. તત્ત્વો પ્રથમ કોષ્ટકમાં નિરૂપણ કર્યા પ્રમાણે સમજવાં, પણ માત્ર આકાશનાં તત્ત્વોમાં બે પક્ષ છે. તેમાં કામક્રોધાદિ પાંચ પહેલા પક્ષમાં કહ્યાં ને બીજા પક્ષમાં આકાશના પાંચ ભાગ, જેવા કે શિરાકાશ, કંઠાકાશ, હૃદયાકાશ, ઉદરાકાશ અને કટ્યાકાશ, એ રીતે કહ્યાં છે. પણ એ સર્વનું નિરૂપણ કરવાનો મુખ્ય અભિપ્રાય એ છે કે, એ સર્વ તત્ત્વો ભૌતિક (પંચભૂતનાં કાર્ય) છે, માટે જડ છે તથા પરિણામી, વિકારી, અસત્ય છે અને હું તેઓનો જાણવાવાળો દ્રષ્ટા, નિર્વિકારી, અસંગ આત્મા છું ને તે તત્ત્વોના સમુદાયરૂપ સ્થૂલ દેહ હું નથી. તે તત્ત્વો પંચભૂતનાં છે, તેથી મારાં નથી. એમ જાણીને તેમાંથી અહંતા- મમતારૂપ અધ્યાસને મૂકી દેવો.