36 અભિમાન બમણું થવાનું કારણ

અભિમાન બમણું થવાનું કારણ

ગુરુ : દેહાદિકમાંથી અહંતા-મમતા દૂર કરવા સારુ વિવેક તથા વિચાર વિના, તેં કહ્યાં એ કાંઈ મુખ્ય સાધનો નથી; કેમ કે આત્મા-અનાત્માનો વિવેક ન હોય, તો એ સાધનોથી ઊલટી અહંતા-મમતા બમણી થાય છે; કેમ કે પ્રથમ જે જાતિ અને જે વર્ણમાં છે તેનું તો હૃદયમાં દઢ અભિમાન છે ને વળી અવિવેકથી કોઈ પંથનો વેશ ધારણ કર્યો, તો તેનું પણ અભિમાન થાય છે; તેથી વિવેકાદિ સાધન વિના ત્યાગ કર્યાથી પણ અભિમાન વધે છે પણ જતું નથી અને જે વખતે ગૃહસ્થાશ્રમમાં હતો તે વખતે નમ્રતાથી કોઈ મહાત્માનું સેવન કરવા ચાહતો હતો, પણ ત્યાગ કર્યા પછી તો હું ત્યાગી થયો અને સહુ મને માને ને મારો આદરસત્કાર કરે, એવું અવિવેકથી અભિમાન વધતું જાય છે અને તેને કોઈ સદ્વિધાનો ઉપદેશ કરે તો તે સાંભળે નહિ ને હું ત્યાગી છું એમ માની બેસે; તેથી કેવું બન્યું કે “બિલાડું કાઢતાં ઊંટ પેઠું,’ તે પ્રમાણે થયું. એ દષ્ટાંતની વિગત કહું તે સાંભળ. કોઈ એક ઘરમાં એક ડોસી રહેતી હતી. તેના આંગણામાં એક બિલાહું મરી ગયું હતું. તેને ડોસીએ પોતે જ કાઢવાનો વિચાર કરીને પોતાના ઘરનાં અંદરનાં બારણાં બંધ કરી, આંગણાંનાં બારણાં ખુલ્લાં રાખી બિલાડાને ટોપલામાં નાખી તે ગામ બહાર નાખવા ગઈ અને બિલાડાને નાખીને, નદીમાં નાહી-ધોઈને ઘેર આવે છે એટલામાં એક આજારી ઊંટ તે ડોસીની ડેલીમાં આવીનેં તરત મરણ પામીને પડેલું હતું તે ડોસીએ જોયું ને તેથી તે ચિંતા કરવા લાગી કે, અરે હું “બિલાડું કાઢવા ગઈ ત્યાં ઊંટ પેઠું.’ એ કેમ કરી જશે, એમ ક્લેશ થયો; તેમજ વિચાર-વિવેક વિના જે દેહાભિમાન કાઢવા ત્યાગ કરે છે, તેથી ત્યાગના અભિમાનરૂપી જે ઊંટ પેસે છે, તે નીકળવું કઠણ પડે છે. તે સારુ જિજ્ઞાસા વિના તથા અધિકાર વિના અને વિધિવિના કેવળ વેશ-ધારણથી અથવા સકામ જપ આદિ બીજાં  સાધનોથી અહંતા-મમતારૂપ બંધનની નિવૃત્તિ થતી નથી.