51 અન્નમય કોષનું નિરૂપણ

અન્નમય કોષનું નિરૂપણ

ગુરુ : માતાપિતાએ ખાધેલા અન્નના પરિણામમાંથી રુધિર અને વીર્ય થાય છે અને તે રુધિર-વીર્યના સંબંધથી આ સ્થૂળ દેહ પેદા થયો છે અને જન્મ્યા પછી પણ માતાએ ખાધેલા અન્નના પરિણામથી દૂધ થાય છે. તે દૂધનું પાન કરીને સ્થૂળ દેહ વધે છે અને દાંત આવ્યા પછી ખાઈને જ જીવે છે. વળી આ સ્થૂલ દેહ બીજા જીવોને અન્નરૂપ ભક્ષ્ય છે અને અન્ન ખાધા વગર જીવતો નથી. અને જ્યારે મરે’છે, ત્યારે અન્નરૂપ પૃથ્વીમાં લય થાય છે; માટે એને અન્નમય કહ્યો અને તેને કોશ કહ્યો, તેનું કારણ એ છે કે જેમ તલવારને ઢાંકવાવાળું જે મ્યાન છે, તેનું કોશ એવું નામ કહેવાય છે અને ધનને ઢાંકવાવાળા ભંડારને પણ કોશ કહે છે, તેમ અન્નમય શરીરથી આત્મા ઢંકાય છે; માટે તેને અન્નમય કોશ કહ્યો છે. તે અન્નમય કોશ દશ્ય છે અને હું આત્મા તે અન્નમય કોશથી જુદો તેનો દ્રષ્ટા છું; તેથી અન્નમય કોશાતીત એ રીતે સ્થૂળ દેહનું વર્ણન કરીને હવે તેની અવસ્થા આદિકનું વર્ણન કરું છું.