54 અનુભવ અને શંકા
અનુભવ અને શંકા
દુહો
શિષ્ય : સ્થૂળ દેહ તે હું નહીં,
સૂક્ષ્મ દેહ હું જાણ; સદ્ગુરુ કહે તે તું નહીં,
લિંગ દશ્ય વખાણ
ટીકા : હે મહારાજ ! તમારા ઉપદેશથી સ્થૂળ દેહ તે હું નહિ, એવો તો અનુભવ થયો, પણ સૂક્ષ્મ દેહ હું હોઈશ, એમ જણાય છે. ગુરુ : હે ભાઈ ! તે સૂક્ષ્મ દેહ તું નથી. લિંગ કહેતાં સૂક્ષ્મ દેહ તે તારો દશ્ય છે ને તેનો દ્રષ્ટા છે, તે તું છે. સદ્ગુરુએ લિંગ દશ્ય છે એટલું જ કહીને શિષ્યને લિંગ દેહમાંથી અધ્યાસ મૂકવાનો ઉપદેશ કર્યો, પણ લિંગ દેહનાં વિશેષ તત્ત્વોનું વર્ણન કરીને તેથી ભિન્ન આત્માનો સ્પષ્ટ રીતે જેમ અનુભવ થાય તેમ ન કહ્યું; તેથી શિષ્ય ફરીથી લિંગ દેહને જ આત્મા માનીને પૂછે છે.
ચોપાઈ
શિષ્ય : સ્વામી સ્થૂળ દેહ તે તું નહીં,
પણ સૂક્ષ્મ દેહ તે હું સહી;
ગુરુ કહે તે તું કેમ થઈશ ભાઈ,
પ્રથમની પેઠે વિચારો જાઈ.
ટીકા : હે સ્વામી ! (હે ગુરુ !) આ સ્થૂળ દેહ તે હું નહિ; કેમ કે પંચભૂતનાં પચીસ તત્ત્વોના સંઘાતરૂપ સ્થૂળ દેહ ભૌતિક છે અને અતિ મલિનરૂપ વીર્ય તથા રુધિરમાંથી પેદા થયેલો છે અને એ સ્થૂળ દેહ, હાડકાં, માંસ, રુદિર, મળ, મૂત્ર, કફ આદિ અત્યંત અપવિત્ર પદાર્થોથી ભરેલો છે અને તેનાં નવ દ્વારમાંથી પણ અતિ દુર્ગંધીરૂપ મળ, મૂત્ર, કક આદિ નિત્ય નીકળ્યા કરે છે. વળી મેવા, મીઠાઈ, અન્ન વગેરે અતિ ઉત્તમ ખાવાના પદાર્થો તે સ્થૂળ દેહમાં અંદર ગયાથી તરત બગડીને મળરૂપ થાય છે; તેમ જ અતિ ઉત્તમ શોભિત વસ્ત્રો પણ તે દેહના સંગથી બગડીને મલિન ને દુર્ગંધીવાળાં થાય છે. એ રીતે અત્યંત અશુચિરૂપ સર્વને પ્રત્યક્ષ દેખાય છે એવો આ સ્થૂળ દેહ છે તે હું કેમ થાઉ ? અને એ દશ્ય છે ને હું તેનો દ્રષ્ટા છું તેથી પણ સ્થૂળ હું નથી અને જ્યારે હું સ્થૂળ દેહ નથી, ત્યારે તેના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર એવા ચાર વર્ણ તથા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ ને સંન્યાસ એવા જે ચાર આશ્રમ તે મારામાં નથી; તેમ જ સ્થૂળ, કૃશ, શ્યામ, ગૌર, બાલ, યુવા, વૃદ્ધ એવા જે સ્થૂળ દેહના ધર્મ તે પણ મારામાં નથી; એમ તો મને અનુભવથી જાણવામાં આવે છે. પણ સ્થૂળ દેહની અંદર જે સૂક્ષ્મ દેહ છે, તે તો “હું સહી’ કહેતાં હું છું; કેમ કે સ્થૂળ દેહથી જવું, આવવું, સાંભળવું વગેરે જે વ્યવહાર થાય છે તે સૂક્ષ્મ દેહના આધારથી જ થાય; કેમ કે ચક્ષુઇદ્રિયથી જુએ છે, કાન-ઇંદ્રેયથી સાંભળે છે, વાણી ઇંદ્રિયથી બોલે છે ઇત્યાદિ સૂક્ષ્મ દેહની ઇંદ્રિયોથી સ્થૂળ દેહનો સર્વ વ્યવહાર થાય છે. જેમાં પ્રાણ છે, એવા સૂક્ષ્મ દેહથી સ્થૂળ દેહ જીવે છે. પ્રાણ ગયા એટલે સ્થૂળ દેહથી જિવાય નહિ, માટે સ્થૂળ દેહમાં સૂક્ષ્મ દેહનું પ્રાધાન્ય (મુખ્યપણું) છે. વળી સ્થૂળ દેહમાં સૂક્ષ્મ દેહ જ્યાં સુધી છે, ત્યાં સુધી જ આ મારો પિતા, આ પુત્ર, ભાઈ, કુટુંબ ઇત્યાદિ સંબંધ રહે છે. તે સૂક્ષ્મ દેહ જો નીકળી ગયો, તો સ્થૂળ દેહમાંથી આ પિતા તથા ભાઈ ઇત્યાદિ સંબંધ મટી જાય છે, એટલે તેને તરત બાળી નાખે છે; માટે સૂક્ષ્મ દેહ હું છું, એમ જણાય છે; તેમ જ હું બોલું છું, દેખું છું, સાંભળું છું ઇત્યાદિ સૂક્ષ્મ દેહમાં અહંપ્રત્યય પણ દેખાય છે; તેથી પણ સૂક્ષ્મ દેહ હું છું એમ જણાય છે.