11 અંધનું ઉદાહરણ
અંધનું ઉદાહરણ
“તે સારું ફરે ચોરાશી લક્ષ યોનિને ઇતિ’
જે માટે પોતાનું સ્વરૂપ ભૂલી દેહમાં તેનો આભાસ કર્યો છે, તે સારુ ચોરાશી લક્ષ યોનિમાં વારંવાર ફરે છે અને ફરી ફરી જન્મ-મરણ તે ભોગવે છે, તે વિષે નીચે દષ્ટાંત કહું છું તેથી સમજવું : કોઈ મોટા શહેરમાં એક આંધળો રહેતો હતો. તેને શહેરમાં અનેક પ્રકારનાં દુઃખથી શહેર બહાર જવાની ઇચ્છા થઈ, તેથી તેણે કોઈ પુરુષને પૂછ્યું કે, ગામ બહાર જવાનો રસ્તો ક્યાં છે ? ત્યારે તે પુરુષે જવાબ દીધો કે, આ ગામને દરવાજો એક જ છે, તેથી તું કિલ્લાને હાથ લગાડતો લગાડતો ચાલવા માંડ અને જે ઠેકાણે દરવાજો આવે તે ઠેકાણે ગામ બહાર જવાનો રસ્તો છે, ત્યાંથી બહાર નીકળી જજે, એટલે સુખી થઈશ. એવું સાંભળીને તે આંધળો ચાલતાં-ચાલતાં જ્યારે દરવાજો આવ્યો, તે વખતે તે અંધના શરીરમાં કંડૂ (દાદર) હતી, તેથી ચળ આવી; તે ટાણે કિલ્લાને લગાડેલો હાથ ઉપાડીને ખંજવાળવા લાગ્યો ને તેણે ચાલવા માંડ્યું અને ખરજ જ્યારે બંધ થઈ ને પાછો જ્યાં હાથ કે, ત્યાં તો વળી કિલ્લો આવ્યો ને દરવાજો તો ચાલતાં-ચાલતાં પાછળ રહી ગયો; તેથી તે મોટા શહેરના કિલ્લામાં ફરી ફરીને મહાદુઃખ ભોગવે છે, રસ્તામાં કાંટા વાગે છે તથા ગામનાં મળમૂત્રમાં પડી જાય છે, તડકામાં ઘણો તપે છે અને વાયુથી ધૂળ ઊડી આંખમાં પડે છે, તેથી હેરાન થાય છે. એ રીતે ફરી ફરીને જ્યારે દરવાજા પાસે આવે છે, તે જ વખતે પૂર્વના કોઈ કર્મદોષથી પાછી ખરજ આવે છે અને દરવાજો પાછળ રહી જાય છે; એમ વારંવાર ફરી ફરીને તે મહાદુઃખ ભોગવે છે.