60 અંતઃકરણપંચક
અંતઃકરણપંચક
ગુરુ : અંતઃકરણ કહેતાં દેહની અંદર જ્ઞાન, સુખ આદિનું સાધનરૂપ કરણ (ઇંદ્રિય)નું સ્વરૂપ એ છે કે, કંઈ એક કામ કરવાનું પ્રથમ જે સ્ફુરણ થાય છે તે. અને તે અંતઃકરણના દેવતા વિષ્ણુથી WL થાય છે. મન કહેતાં જે કામનું સ્ફુરણ થયું છે, તે કામ નિશ્ચય કરી કરવું અથવા ન કરવું. એવો જે સંકલ્પવિકલ્પ થાય છે તે અને તે મનના દેવતા ચંદ્રમા છે તેથી સંકલ્પવિકલ્પ થાય છે. બુદ્ધિ કહેતાં કરવા ધારેલા કામનો નિશ્ચય કરવો તે અને તે બુદ્ધિના દેવતા બ્રહ્મા તે વડે નિશ્ચય થાય છે. ચિત્ત કહેતાં આ કામ કેમ કરીએ તો સારું થાય એમ ચિંતવન કરે છે તે અને તે ચિત્તના દેવતા નારાયણનું તે સ્મરણ થાય છે. અહંકાર કહેતાં આ કામ હું કરીશ, એવું જે અભિમાન તે. તેના દેવતા રુદ્ર, તેથી અહંકાર (અભિમાન) થાય છે. અંતઃકરણસ્વરૂપે તો એક જ છે, પણ તેમાં સંકલ્પ-વિકલ્પ, નિશ્ચય આદિ વૃત્તિઓ જુદી જુદી છે; તેથી મન, બુદ્ધિ આદિ નામ પણ જુદાં જુદાં પડ્યાં છે. જેમ બ્રાહ્મણ એક છે, તે રસોઈ કરતો હોય તો રસોઇયો, ભણાવતો હોય તો પાઠક, જ્યોતિષ જાણતો હોય તો જ્યોતિષી અને નાડી જોતો હોય તો વૈદ્ય કહેવાય છે; તેમ એક અંતઃકરણમાં વૃત્તિભેદથી મન, બુદ્ધિ આદિ જુદાં જુદાં નામ કહ્યાં છે, તે તું નથી તે વિચાર કરી જો.